જામનગરના ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં એક યુવાનને અગાઉની ફરીયાદનો ખાર રાખીને ધોકા વડે માર માર્યાની તેમજ તેની પત્નીને ધમકી દીધાનો મામલો પોલીસમાં પહોચ્યો છે જયાં યુવાન દ્વારા મુસ્લીમ અગ્રણી અને તેના પુત્ર સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગેનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો.
જામનગરના ચુનાનો ભઠ્ઠો વિસ્તારમાં રહેતા અહેમદ રજાભાઇ મહમદહુશેનભાઇ નાઇ (ઉ.વ.૩૬) નામના યુવાનને આશરે દોઢેક વર્ષ પહેલા આરોપીના દિકરાઓ તથા અન્ય માણસોએ માર માર્યો હતો, જેની ફરીયાદ યુવકના પત્નીએ કરી હતી અને તેનો કેસ કોર્ટમાં ચાલુ હોય જેનો ખાર રાખીને તા. ૩૦ના રોજ આરોપી જુમાભાઇ સ્વીફટ કાર લઇને આવતા હોય ત્યારે અહેમદ રજાભાઇ મોટરસાયકલ લઇને સામે મળતા આરોપીએ કેમ સામે જોવે છે તેમ કહી કારમાંથી ધોકો કાઢીને ફરીયાદી યુવાનને હાથમાં ઘા ઝીંકી દીધો હતો.
તેમજ બીજો ઘા કોણીથી ઉપરના ભાગે માર્યો હતો બાદમાં ફરીયાદીના પત્ની પોતાના ઘરે જતા હોય એ સમયે ઘર પાસે આરીફ નામના આરોપી આવી જતા ફરીયાદીની પત્નીને કહેલ કે હવે તારે વિડીયો ઉતારવા હોય તે ઉતાર અને છેલ્લો વિડીયો ઉતારી લે, પુરૂ કરી નાખવુ છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી, ફરીયાદીને શરીરે મુંઢ ઇજાઓ કરી એકબીજાને મદદગારી કરી હતી.
આ બનાવ અંગે અહેમદરજાભાઇ નાઇ દ્વારા સીટી-એ ડીવીઝનમાં ગઇકાલે ચુનાનો ભઠ્ઠો, ઢોલીયા પીરની દરગાહ પાસે રહેતા જુમા દોસમામદ ખફી અને આરીફ જુમા ખફી બંનેની વિરુઘ્ધ જુદી જુદી કલમો મુજબ ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ બનાવ અંગેનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો અને મામલો પોલીસ મથકમાં પહોચ્યો હતો, બનાવના કારણે શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.